ગરુડની પીઠ પર ચરણકમળ ધારણ કરનારા, આઠ સિદ્ધિઓવાળા, આઠ બાહુઓવાળા અને તે આઠ બાહુઓ વિષે શંખ, ચક્ર, ઢાલ, ગદા, બાણ, ધનુષ તથા પાશને ધારણ કરનારા શ્રીહરિ મારી સર્વ પ્રકારે રક્ષા કરો. જળમાં મતસ્યાવધારી ભગવાન જલજંતુઓથી તથા વરુણના પાશથી મારી રક્ષા કરો. માયાથી બટુક બનેલા વામનજી સ્થળમાં મારી રક્ષા કરો. શ્રીવિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો.
અસુરના અધિપતિઓના શત્રુ ભગવાન નૃસિંહ સંકટકારક વનવગડાઓમાં તથા સંગ્રામ વગેરેમાં મારી રક્ષા કરો કે જે નૃસિંહનાં ખડખડાટ હાસ્યના શબ્દથી દિશાઓ ગાજી ઉઠી હતી અને ગર્ભિણીઓના ગર્ભ પડી ગયા હતા. પોતાની દાઢથી પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનારા ભગવાન યગ્નમૂર્તિ વરાહ માર્ગમાં મારી રક્ષા કરો; પરશુરામ પર્વતોના શિખરોમાં મારી રક્ષા કરો.; અને ભરતના મોટાભાઈ રામ તથા લક્ષ્મણ પ્રવાસમાં અમારી રક્ષા કરો.
અભિચારી વગેરે સર્વ ઉગ્ર ધર્મમાંથી તથા પ્રમાદમાંથી નારાયણ ભગવાન રક્ષા કરો. નર ભગવાન ગર્વથી રક્ષા કરો. યોગના સ્વામી દત્તાત્રય યોગભ્રંશથી મારી રક્ષા કરો. ગુણનાં સ્વામી કપિલદેવ કર્મના બંધનથી મારી રક્ષા કરો.