શિવ મહાપુરાણના વક્તા મહાદેવજી સ્વયં છે. મહાદેવજીએ કૃપા કરી શિવ મહાપુરાણની કથા પોતાના પ્રધાન ગણ નંદીકેશ્વરને સંભળાવી. નંદીશ્વરે આ કથા સનતકુમારોને સંભળાવી. સનતકુમારોએ આ કથા ભગવાન વેદ વ્યાસજીને સંભળાવી. વ્યાસજીએ ક્રમબદ્ધ કરી સુતજીને આ કથા ભણાવી. સુતજીએ શિવ મહાપુરાણની કથા નૈમિશારણ્યમાં બિરાજમાન અઠયાસી હજાર ઋષિ મૂનિઓને સંભળાવી. શિવ મહાપુરાણ એ વેદનો સાર છે. શિવ મહાપુરાણની કથા જે કરે છે, જે સાંભળે છે, જે આ કથાનું આયોજન કરે છે એ સૌ વ્યક્તિઓ મહાદેવજીને ખૂબ પ્રિય બને છે.
શિવ મહાપુરાણમાં સૌથી મોટામાં મોટી સંહિતા એ રુદ્ર સંહિતા છે. જેના પાંચ ખંડ છે. પહેલો ખંડ સૃષ્ટિ ઉપાખ્યાન, બીજો ખંડ સતિ ખંડ, ત્રીજો પાર્વતિ ખંડ, ચોથો કુમાર ખંડ અને પાંચમો યુદ્ધ ખંડ. કદાચ સંપૂર્ણ શિવ મહાપુરાણનું પારાયણ ન થઈ શકે તો શિવ મહાપુરાણની રુદ્ર સંહિતા અને કૈલાસ સંહિતાનો પાઠ કરવો. શિવ મહાપુરાણમાં સૌથી નાનામાં નાની સંહિતા એ કૈલાસ સંહિતા છે.